Saturday, May 9, 2020

પ્રસંગ ર: આશીર્વાદના અધિકારી

ચોમેર ગાઢ અંધકાર પથરાયો છે. આકાશના ચંદરવામાં નાના મોટા અસંખ્ય તારાઓ ચમકી રહ્યા છે. નિરવતા ભર્યા વાતાવરણમાં મંદિરનાં શિખરો પર ધજાઓ ફરફરી રહી છે. સંતોની ધર્મશાળામાં નાનકડો દીવો લબૂક ઝબૂક ટમટમી રહ્યો છે. એક અશક્ત અને વૃદ્ધ સંત સાદા બિછાના પર સૂતા છે. એમની નરમગરમ તબિયત અન કળતરથી તૂટતા શરીરને એક યુવાન સંત મહિમાથી દબાવી રહ્યા છે.
વૃદ્ધ સંતને શરીરે જરા કરાર વળતાં એમને નિરાંતની નિદ્રા આવી ગઈ. આમ છતાં પેલા શ્રદ્ધાળુ સંતે દેહને દબાવવાની સેવા ચાલુ
રાખી. એટલું જ નહિ પણ એમ ને એમ જ આખી રાત પસાર થઈ ગઈ અને વહેલી સવારનાં ચોઘડિયાં સંભળાયાં ! એથી વૃદ્ધ
સંતની નિદ્રા તૂટી. એમણે કહ્યું, 'સાધુરામ ! આતો ચોઘડિયાં વાગતાં લાગેછે તો શું તમે આમ ને આમ આખી રાત મને દાબતા
રહ્યા છો ?'
''હા સ્વામી, આપને શરીરે કળતર ઓછી થઈને નિરાંતે નિદ્રા આવી એના જતન અને હર્ષમાં રાત કયાં વીતી ગઈ એનું મને કાંઈ
ભાન નથી રહ્યું.'' શ્રદ્ધાળુ સંતે સ્પષ્ટતા કરતાં કહ્યું.
આ સાંભળી વૃદ્ધ સંત સફાળા બેઠા થઈ ગયા ને કરુણાભીના બની કહેવા લાગ્યા, 'ગોપીનાથ, ધન્ય છે તમારી આવી શ્રદ્ધાને !
તમારો આવો સેવાધર્મ જોઈને મારું અંતર તો આજ તમારા તરફ ઢળી પડે છે. બોલો બોલો, મનમાં કાંઈ માગવાની ઈચ્છા છે ?'
''ના સ્વામી, મારા મનમાં આવી કોઈ ઈચ્છા જ નથી. મેં તો આપનો મહિમા જાણીને આ સેવા કરી છે. મને આપની આ સેવા મળી
એ જ હું મારા મહદ્દ ભાગ્ય માનું છું, આપ રાજી થાવ એટલી જ અંતરમાં ઈચ્છા છે.'' નમ્રતાથી યુવાન સંતે કહ્યું.
હૃદયનો આવો વિશુદ્ધ ભાવ ને સેવાની આવી ધગશ જોઈને સંતવર્યનું દિલ દ્રવી ગયું. એણે પ્રેમથી પોતાના બન્ને હાથ આ યુવાન
સંતના માથા ઉપર મૂકી દીધા. હૈયામાં ઉભરાતા હેતથી કેહવા લાગ્યા, 'ગોપીનાથદાસ, તમારામાં રહેલો આવો નિષ્કામ સેવાભાવ
જરૂર તમને પ્રભુની કૃપાનું પાત્ર બનાવશે. તમે વિદ્યામાં પારંગત થશો. સાધુતા અને વિદ્વત્તામાં તમને કોઈ નહિ પહોંચે. સારા વકતા
થઈને હજારોને મહારાજનાં ચરિત્રો સંભળાવશો. તમારા હાથે સત્સંગની ઘણી સેવાઓ થશે અને અંતકાળે મહારાજ તમને તેડવા
આવશે.'
અંતરના આવા રૂડા આશીર્વાદના અધિકારી હતા જૂનાગઢના યુવાન પુરાણી સ્વામી શ્રી ગોપીનાથદાસજી. સં.૧૯૩૮ના અરસામાં
વડતાલમાં રહી તેઓ સંસ્કૃતનો વિદ્યાભ્યાસ કરતા હતા અને હૃદયના આવા અનેરા આશીર્વાદ આપનાર મહા સમર્થ સંત હતા
શ્રીજીના દીક્ષિત સદ્ગુરુ સ્વામી અદ્ભૂતાનંદજી જેઓ સો વર્ષ જેટલું લાંબું આયુષ્ય જીવ્યા હતા. એમને કોઈ વિમુખોએ આપેલ
ઝેરથી શરીરમાં કળતર થયા કરતી. જેથી શ્રદ્ધાળુ સંતો એમને થોડી થોડીવાર દાબતા પણ આજે તો આખી રાત દાબતા રહીને
આ શ્રદ્ધાળુ અને સેવાભાવી યુવાન સંતે સેવાધર્મનું ઉમદા દૃષ્ટાંત પૂરું પાડીને હદ કરી નાખેલી.
પુરાણી સ્વામી ગોપીનાથદાસજીના જીવમાં સાધુતા, સેવા, શ્રદ્ધા વિદ્યાપ્રેમનું જોમ તો હતું ને એમાં આવા રૂડા આશીર્વાદરૂપી પાંખો
મળી પછી એમાં શું ખામી રહે ! સમર્થ સંત સ્વામી બાળમુકુંદદાસજીના તો એ કૃપાપાત્ર શિષ્ય હતા. વડતાલમાં છ વર્ષ રહી
વેદ–વેદાંત, શ્રુતિ–સ્મૃતિ ને શાસ્ત્ર–પુરાણોનું એમણે ઊંડાણથી અધ્યયન કર્યું હતું. સુંદર છટાદાર ને સુમધુર શૈલીમાં કથા
પારાયણો કરી અનેક શ્રોતાઓનાં એમણે દિલ જીતી લીધા હતા. સં.૧૯૪પમાં માવા–મુસાવાળા શેઠે રાજકોટને આંગણે ભવ્ય
પારાયણ યોજેલ જેમાં બન્ને દેશના આચાર્યશ્રીઓ; વડતાલથી ધ. ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ અને અમદાવાદથી
ધ. ધુ. આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ તેમજ સંતો પધારેલા ત્યારે મુખ્ય વક્તા પુરાણી સ્વામી ગોપીનાથદાસજીની ધીરગંભીર
ને ગંગાના વહેતા પ્રવાહ સમી શૈલીમાં કથા સાંભળી બન્ને આચાર્યશ્રીઓ, બન્ને ગાદીના સંત મહાનુભાવો ભારે પ્રભાવિત થયેલા
અને એમની સુવાસ સત્સંગમાં ચોમેર પ્રસરી ગઈ હતી.
સં. ૧૯૬૪માં શારદાપીઠના શંકરાચાર્ય માધવતીર્થે દ્વેષથી પ્રેરાઈને જ્યારે આપણા સંપ્રદાય સામે અકારણ કલહ આદર્યો ત્યારે
વડોદરા, ઉમરેઠ, નાંદોલ, ભદામ ને છેલ્લે કાશીમાં વિદ્વાનોની સભામાં આપણા સંપ્રદાયના ટોચના આઠ–દશ વિદ્વાનો સાથે રહી
પુરાણી સ્વામી ગોપીનાથદાસજીએ વાદવિવાદમાં સામા પક્ષને પરાસ્ત કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
આવા પ્રતાપી ને સમર્થ સદ્ગુરુના શિષ્ય તરીકે સાથે રહીને શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીએ સાધુતા અને સત્સંગની નિષ્કામ
સેવાના સદ્ગુણો આત્મસાત કર્યા હતા. પુરાણી મહારાજે પણ આ નાના સાધુમાં રહેલ ધર્મનું ઓજસ પારખી લીધેલું જેથી પોતે
અંતરના આશિષ ને અદકેરા ભાવથી એમને સંસ્કૃત વિદ્યાભ્યાસ સાથે સંપ્રદાયની પ્રણાલિકાનું શિક્ષણ આપી ઉજ્જવળ ભાવિનું
નિર્માણ કર્યું હતું.

સમર્થ સદગુરુ નારાયણદાસજી પ્રસંગોપાત કહેતા 'પુરાણી સ્વામીના દાખડાને આજે આ ધર્મજીવનદાસ શોભાવી રહ્યા છે.'

No comments:

Post a Comment