Saturday, May 9, 2020

પ્રસંગ ૧ર: સંતની સિંહગર્જના

રોંઢો ઢળતો આવે છે. વાદળાંની વણથંભી વણઝાર ચાલુ છે. વાદળ આડે સંતાઈને ડોકિયાં કરતા સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. ખેતરોમાં ખલવલિયા કરતી મોલાત પવનનાં આવતાં લેરખામાં ઝૂમી રહી છે. સીમ–વગડામાં છવાએલી હરિયાળી આંખને ઠારે છે. દૂર દૂર સુધી ઢોર ચરતાં દેખાય છે. કોઈ કોઈ ખેતરોમાં નીંદામણ ચાલે છે.
આવા સાનુકૂળ સમયે પાંચેક સંતોનું એક મંડળ ફાચરિયાથી ડેડાણ તરફ આવી રહ્યું છે. એમનાં ભગવાં વસ્ત્રો હવામાં ફરફરે છે.
મોટા સંત આગળ છે ને બીજા સંતો એમની પાછળ શિસ્તબદ્ધ લાઈનમાં ચાલ્યા આવે છે. ખભે ઝોળિયું અને હાથમાં માળા છે.
ભજનસ્મરણ કરતા થકા વાટે ચાલ્યા જાય છે. રસ્તા કાંઠે ખેતરના દૂરના છેડે નીંદી રહેલા મજુરોમાંથી કોઈકની દૃષ્ટિ એ તરફ જતાં
એણે કહ્યું, 'જુઓ, પણે સ્વામીના સાધુઓ ચાલ્યા જાય.'
આથી બધાય મજુરોએ એ તરફ દૃષ્ટિ કરીને જોયું ત્યારે કોઈકે ટહુકો કરતાં કહ્યું, 'આ સામીના મુંડિયા બાયું સાથે બોલેય નહિ
અને એનાથી તો છેટા છેટા ચાલતા હોય છે.'
'એમ ! બાયુંથી છેટા છેટા ચાલે છે ! તો પછી એ રોયા જન્મા કયાંથી હશે ?' એક બાઈએ છણકો કરતાં કહ્યું.
'એણેય જલમતો માને પેટે જ લીધો હશેને ? એ કાંઈ કોઈ આવળિયે બાવળિયેથી નહિ ઉતર્યા હોય !' એમ મચકો કરી બીજી
બાઈ મરડમાં બોલી ઉઠી.
'અહીં બબડાટ કરો છો તો પછી ત્યાં જઈને એને જ આ વાત પૂછી જુઓને એટલે ખબર પડે ?' એક ટોંણિયાએ ટોંણો મારતાં કહ્યું.
આ સાંભળી બાયુંને પાનો ચડયો. 'હાલો, જાવું છે ?' એમ કહી પરસ્પર હાથનાં લટકાં ને આંખનાં મટકાં કરી પૂછવા લાગી.
'આમ અહીં વાતો કર્યે શું વળશે ? ત્યાં ગુડાવને ? નહિ તમને એ બાવા કાંઈ મારી નાખે.' તાતી ટકોર કરતાં એક યુવાને કહ્યું.
'તમને પાસે આવતી ભાળીને તો એ બાવા આમ તેમ ભાગશે ને એ ટીખળ જોવાની મઝા આવશે.' બીજાએ પોરહ ચડાવતા કહ્યું.
આવું ઉત્તેજન મળતાં ચારેક યુવાન છોકરિયું ખેતરમાંથી સાધુઓ તરફ દોડી ને છકેલા જુવાનોએ હાંકલા પડકારા કરી એને
પાણી ચડાવ્યું.
આવો હોકિકિયારો સંભળાતા સંતોએ એ બાજુ જોયું તો ત્રણ ચાર બાયું દોડી આવતી દેખાણી. તુરત વૃદ્ધ સંતે કહ્યું, 'સાધુરામ,
આ બાયું આપણને ફજેત કરવા દોડી આવતી લાગે છે. માટે તમે બધા ઝટ આઘાપાછા થઈ આગળ ભાગવા માંડો.'
'પણ સ્વામી, તમે ?' બધા સંતોએ ગભરાટથી ચિંતિત બની જઈને એક સાથે પૂછયું.
'મારી ચિંતા કરોમા. તમે ઝટ ભાગવા માંડો. હુંય તમારી પાછળ જ ભાગ્યો આવું છું.' આમ કહી એ સમર્થ સંતે નીચે નમીને બે
પાણા હાથમાં લઈ લીધા. આ જોઈને શ્વાસભેર દોડી આવતી છોડિયું જરા ધીમી પડી ગઈ ને એના કાને ચેતવણીનો સૂર
સંભળાયો. 'ખબડદાર! આગળ આવિયું છો તો ? ત્યાંથી જ પાછી વળી જાવ.'
આ ચેતવણી સાંભળી એ નજીક આવતાં અટકી ગઈ ને પાછું વાળીને ખેતર તરફ જોવા લાગી એટલે વળી હાંકલા પડકારા
સંભળાયા 'અરે પાસે જાવ, ઘેરી લ્યો, ત્યાં ઊભીયું કાં ? આથી ભાન ભૂલેલી આ અભાગણીયું વૃદ્ધ સંત પાછળ દોડી એટલે
આ સંત બેય હાથની ખાંભી ખોડી દઈને રસ્તા વચ્ચે જ સાવજની જેમ ગોઠણભર બેસી ગયા ને છોકરિયું સામે ડોળા કાઢી માથું
ધૂણાવીને હાં... હાં એમ બે વખત ત્રાડ મારી ને બીવડાવવા માટે સિંહગર્જના કરી એટલે બાયુંને તો સાક્ષાત ડાલામથા સાવજનું
ભયંકર રૂપ દેખાયું કે તુર્તજ એમનાથી 'ઓય માડી !' એવી કારમી ચીસ પડી ગઈ ને ગભરાટમાં પાછી તો ભાગી પણ એના
હોશકોશ ઊડી ગયા ! આંખે અંધારા ને જીવમાં કમકમા આવી ગયા. એથી હાંફળી ફાંફળી બની એ ચારેય ગોથાં ખાઈને
ત્યાંજ ઢળી પડી.
આ બધો તાલ જોઈ રહેલા મજૂરો બબડવા લાગ્યા. 'આ રાંડુ પાછી કાં ભાગી ? ગોથાંખાઈને ત્યાં પડી કાં ? ઓલા બાવાએ
કાંઈ કરી તો નહિ મૂકયું હોયને ?' એવો ભય ને વહેમ એમનાં અંતરમાં પેઠો એટલે બધાય ત્યાં દોડી આવ્યા.
આવીને જુવે છે તો છોકરિયું પડીપડી ધ્રુજી રહી હતી. 'હાય મરી ગયું સિંહ ફાડી ખાશે.' એમ મુખે બબડી રહી હતી એટલે
પૂછયું, 'આ શું બબડો છો ? અહીં કયાં સિંહ છે ?' ઓલા બાવા પાસે સિંહ છે ! 'ઓય મા ! અમને ઝટ ઘેર લઈ જાવ.'
'કાં, લેતા જાવને ! અમે તો ના પાડેલી કે સાધુને વતાવોમા પણ તમે કોઈએ અમારું માન્યું નહિને ? એટલે આ પરિણામ આવ્યું.'
આ પછી ચારેય છોડિયુંને ઘેર લઈ જવામાં આવીને આ બનાવની વાત પણ ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ.

એ સિંહ સમાન ગર્જના કરનાર પ્રતાપી સંત હતા જૂનાગઢમંદિરના જોગી, સ્વામી મહાપુરુષદાસજી.

પ્રસંગ ૧૧: સુખદ સ્મૃતિ

પોતાની ધર્મપત્નીની મરણોત્તર વિધિ પૂરી કરી ઠાકરશીભાઈ દેવાણીએ દશબાર વર્ષના દીકરા દેવજીને સાથે લઈ હળવા હૈયે પોતાનું મૂળ વતન અમૃતવેલ છોડી જુનાગઢની વાટ પકડી.
ગુણિયલ ગૃહીણીનું અકાળ અવસાન થવા છતાં ઠાકરશીભાઈને અંતરમાં એનો બહુ ઊંડો આંચકો નહોતો લાગ્યો કારણ કે
સમર્થ સદ્ગુરુ સ્વામી બાલમુકુંદદાસજીનો સમાગમ કરી એમણે પોતાની સમજણને દૃઢ કરી હતી કે 'ભલું થયું ભાંગી જંજાળ,
સુખે ભજશું ગોવિંદ ગોપાળ' સંસારમાં રહેવા છતાંય ઠાકરશીભાઈ આમ તો જળકમળવત્ હતા.
જૂનેગઢ આવી ઠાકોરજીના દર્શન કરી ગુરુવર્યના દર્શને ગયા. દંડવત્ પ્રણામ કરીને પગે લાગીને પાસે બેઠા, એટલે અંતર્યામીને
સંભારીને સ્વામીએ કહ્યું, 'ઠાકરશી, સાવ પરવારીને આવ્યો છોને ?'
'હા, સ્વામી, હવે ઘરની કોઈ પળોજણ રહી નથી એટલે જ બાપ દીકરો પરવારી પાકું પરિયાણ કરીને જ આપની પાસે ભગવાન
ભજવા આવ્યા છીએ.' ઠાકરશીભાઈએ હૈયાનું હોઠે લાવીને કહ્યું.
આ સાંભળી દીર્ઘદૃષ્ટા પૂ. સ્વામીજીએ કહ્યું, 'જો ભગવાન ભજવાનો નિર્ણય કરીને જ આવ્યા હો અને અમે કહીએ એમ કરવાની
તૈયારી હોય તો આ છોકરો સ્વામી ધર્મસ્વરૂપદાસજીને સોંપો અને તમે મોટી કુંકાવાવ જઈ ત્યાં મંદિરમાં ઠાકોરજીની સેવાપૂજા કરો.'
વિશ્વાસુ ઠાકરશીભાઈએ ગુરુવર્યની આજ્ઞાને વિના વિલંબે માથે ચડાવી કહ્યું, 'ભલે સ્વામી, આપની આજ્ઞા મને મંજુર છે.'
પોતાના પુત્રને સમજાવી ત્યાં મંદિરમાં રાખી, પોતે બીજે દિવસે કુંકાવાવની વાટ પકડી. આ સ્થિતપ્રજ્ઞને આમ કરવામાં પુત્રનુંય
કોઈ વળગણ અંતરાત્મામાં વળગ્યું નહોતું. એણે સ્વામીશ્રીના આદેશ મુજબ કુંકાવાવમાં પ્રેમથી ઠાકોરજીની સેવા પૂજા ને ભજન
સ્મરણમાં પોતાની પાછલી અવસ્થા પૂર્ણ કરી.
સિંહના તો સિંહ જ હોયને ! દીકરો દેવજી પણ પૂજ્ય સ્વામીશ્રીના આદેશથી પાર્ષદ બની સદ્. સ્વામી ધર્મસ્વરૂપદાસજીના
મંડળમાં રહી ઉત્સાહભેર સેવામાં સામેલ થઈ ગયો. સ્વભાવે નમ્ર તેમજ સરળ ને ગરીબ પ્રકૃતિવાળા દેવજી ભગતે શ્રદ્ધા ને
મહિમાથી મંદિરમાં સેવા બજાવી નાના મોટા સર્વ સંતોનો રાજીપો મેળવી લીધો.
પાર્ષદ દેવજી ભગતમાં મુમુક્ષુતાના ઉચ્ચ ગુણો જોઈ સ્વામી બાલમુકુંદદાસજીની આજ્ઞાથી સદ્. સ્વામી ધર્મસ્વરૂપદાસજીના શિષ્ય
પુરાણી સ્વામી ગોપીનાથદાસજીએ સં. ૧૯પ૯માં વડતાલમાં આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજને હસ્તે દેવજી ભગતને ભાગવતી
દીક્ષા અપાવી સાધુ દેવપ્રસાદદાસ નામ ધારણ કરાવ્યું.
દયાળુ પ્રકૃતિના આ સંત દેવપ્રસાદદાસજીમાં સેવાધર્મ સ્વાભાવિક હતો. સાજામાંદા સંતો તેમજ પાર્ષદોની સેવા કરવા એ મહિમાથી
પહોંચી જાય. અરે મંદિરમાં આવેલ સાજામાંદા ગૃહસ્થ ભક્તની પણ સેવા ચાકરી કરવામાં એમને કદી નાનપ લાગતી નહિ.
માંદાનું માથું તેમજ પગ દાબવા, મીઠાંનાં પોતાં મૂકવાં, માંદાને રુચે એવું જમવાનું બનાવી દેવું વગેરે શ્રદ્ધાથી કરવાનું એમનું અંગ
હતું. એટલું જ નહિ આવી સેવા પ્રવૃત્તિ મહિમાથી કરતા અને સહુના આદરના અધિકારી બની રહેતા.
કંઠની મધુરતા સાથે પ્રભુએ એમને કંઠે કરીને બોલવાની શ્રદ્ધા ને ધગશ આપી હતી. જેથી ઘણાં કીર્તનો ને ભક્તચિંતામણિ અને
પુરુષોત્તમપ્રકાશના ઘણાય પ્રકરણો એમને કંઠસ્થ હતાં. પ્રાતઃકાળે મધુરતાથી બોલીને વાતાવરણને બ્રહ્મભીનું ને ભર્યું ભર્યું
કરી દેતા. એટલું જ નહિ ઘણાય નવા પાર્ષદો તેમજ ગામડાના હરિભક્તનેય મહિમાથી ઘણું શીખવીને કંઠસ્થ કરાવતા.
સ્વભાવે માયાળુ, નિખાલસ અને ભારે દયાળુ હોવાથી આ ભજનાનંદી સંત પાસે બેસનારને અંતરમાં શાંતિની તુરત અનુભૂતિ
થાતી ને પ્રભુમાં પ્રેમભાવ જાગૃત થતો. અનેરી સહાનુભૂતિ ને માતાના જેવી મમતાથી નાના સંતો તેમજ નવા પાર્ષદોને સત્સંગની
રીતભાત શીખવતા. સાધુતાના સદ્ગુણના ભંડાર સમા આ સંત પોતે જીવનમાં આચરીને બીજાને પ્રેરણારૂપ બનતા રહ્યા.
પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું પ્રારંભનું જીવન ઘડતર આ સંતના સહવાસમાં થયું. પૂજ્ય શાસ્ત્રીજી
મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી ઘણીવાર આ દયાળુ દેવપ્રસાદ સ્વામીના પુનિત પ્રસંગોનું સ્મરણ કરી જૂની વાતો કરતા
ત્યારે પોતે એ સંતવર્યની સુખદ સ્મૃતિમાં ભાવવિભોર બની જતા.
પૂ. સ. શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીએ સં. ૧૯૯રમા ઊના મંદિરના કળશ ચડાવી ભવ્ય મહોત્સવ કર્યો ત્યારે આધેડ વયના
આ સેવાભાવી સંતવર્યે રસોડા વિભાગની જટિલ જવાબદારી ભરી સેવા સંભાળી હતી અને ઉત્સવની સફળતા માટે પોતે
ખડેપગે રહી સતત સેવા બજાવી હતી.

ધામધૂમથી ઉત્સવ ઉજવાયા પછી પોતાનું સેવાકાર્ય કેમ જાણે પૂરું થયું હોય એમ એમણે પાંચેક દિવસની ટૂંકી બીમારી બાદ
શ્રીજી તેડવા આવ્યા ને અક્ષરની વાટે વિદાય લીધી હતી.

પ્રસંગ ૧૦: અનુકંપા અને આશિષ

સોહામણા ચરોતર પ્રાંતમાં વિચરણ કરતી વેળાએ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુ ગાના ગામને ગોંદરે તળાવની પાળ ટાઢે છાંયે થોડી વિશ્રાંતિ લેવા રોકાયા. સાથેના કાઠી સ્વારોઅ પોતાના ઘોડાને તળાવનાં પાણી પાયાં.
ગામને પાદર પ્રભુ પધાર્યાના સમાચાર જાણી ભાવિક ભક્તો દર્શને દોડી આવ્યા. પ્રભુને દંડવત પ્રણામ કરી ગામમાં પધારવા અને
જમ્યાં પછી જ જવાનો આગ્રહ કર્યો. આ ભાવિક ભક્તોના અતંરનો શુદ્ધ પ્રેમભાવ જોઈને પ્રભુએ એમને કહ્યું, 'અમારે આગળ
જવાની ઉતાવળ છે એટલે આ વખતે ગામમાં તો નહિ આવીએ પણ તમારો બહુ આગ્રહ છે તો જે કાંઈ તૈયાર હોય એ લઈ આવો,
તો આ કાઠી દરબારોને ટીમણ કરાવીએ.'
મહાપ્રભુનો આવો આદેશ મળતાં ગામના મુખી રૂગનાથભાઈ હર્ષભેર પોતાને ઘેર જઈ એક થાળીમાં થોડા તૈયાર રોટલા લઈ
આવ્યા ને પ્રભુ પાસે મૂકયા. મહારાજે થાળીમાંથી એક રોટલો લઈને કહ્યું, 'દરબારો, આ મઝાના રોટલા આવ્યા છે તો જેને
ટીમણ કરવું હોય એ એકુકો રોટલો હાથમાં લઈને મંડો ટીમણ કરવા જેથી આપણે પછી આગળ જવામાં મોડું ન થાય.'
મહારાજના હાથમાં થેપલા જેવો સુંદર રોટલો ભાળી અલૈયા ખાચરે તુરત કહ્યું, 'મહારાજ, તો પછી એકાદો આમનો આવવા દીઓ.'
રૂપાળો રોટલો હાથમાં આવતાં અલૈયા ખાચરની ક્ષુધા સતેજ થઈ ગઈ ને મોંમાં પાણીય આવી ગયું પણ બટકું ભાંગીને જ્યાં મોંમાં
મૂકયું ત્યાં તો એ ચવાણું જ નહિ ! એમને મનમાં થયું આ રોટલો આટલો બધો ચવડ કાં ! એથી હાથમાં રહેલ રોટલાને આમથી
તેમ ફેરવીને જોવા લાગ્યા પણ કાંઈ કારણ સમજાયું નહિ. સૂરા ખાચરનેય કાંઈક આવો જ અનુભવ થયો એટલે એમણે રોટલાને
સૂંઘી જોયો અને ટીખળ કરતાં કહેવા માંડયું, 'ભણે અલૈયા, આ રોટલો છે શેનો? ભણે આ તો ચાવ્યો ચવાય નહિ એવો જાણે
ચામડાના પેટનો લાગે છે. દેખાવે તો ગધીનો રૂડો રૂપાળો છે બસ એટલું જ. બાકી બીજી આમાં કાંઈ ભલીવાર નથી.'
આથી અલૈયા ખાચરે સાન કરીને રૂગનાથભાઈને પાસે બોલાવ્યા ને હસતાં હસતાં પૂછયું, 'ભગત, આ રોટલા તો તમે સરસ
લાવ્યા છો પણ એ છે શાના એની તો કાંઈક વાત કરો ?'
'બાપજી, એ તો ચીણાના છે. અહીં અમે એજ ખાઈએ છીએ!'
આથી મહારાજે પ્રસન્નતાથી પૂછયું, 'મુખી, આ દરબારો તમને શું ફરિયાદ કરે છે ?'
'મહારાજ, દરબારોની ફરિયાદ કાંઈ જ ખોટી નથી. આ ચીણાના રોટલા ગરમ ગરમ હોય તો જ ખાનારને ભાવે ને ચવાય પણ
ઠરી ગયા પછી એ રોટલા ચવાય નહિ. બીજાને એ ખાવો મુશ્કેલ પડે. અમારે તો આ ધાન કોઠે પડી ગયું છે. બાજરી કે જુવાર
અહીં થતી નથી. ખેડૂતો બચારા મહેનત કરી કરીને થાકી ગયા છતાં આ જમીનમાં ચીણા સિવાય બીજું કશું જ પાકતું નથી !
કોણ જાણે શું દૈવનો કોપ છે !! અમારા નસીબમાં ચીણો જ લખાયો હશેને ! નહિ તો આમ કેમ હોય !' મુખીના બોલમાં ભારોભાર
જીવનની લાચારી અને અંતરની વ્યથા વર્તાતી હતી.
મુખીના મોંએ ભલાંભોળાં ગ્રામજનોની કરુણ કથની સાંભળી અવિનાશીના અંતરમાં અનુકંપા જાગી ઊઠી. પ્રભુએ આ ભક્તોને
આશિષ આપતા કહ્યું, 'હવેથી તમે સહુ બાજરી કે જુવાર વાવજો. એ બધું થાશે. આજથી દૈવનો કોપ મટી ગયો એમ સમજો ને
આ જમીનમાં જાર, બાજરી, તુવેર વગેરે ધાન્યનો પાક થશે.'
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની આવી અનેરી અનુકંપાભરી આશિષથી આ વિસ્તારની જમીનનો ગુણધર્મ બદલાઈ ગયો
ને ત્યાર પછી આ જમીનમાં સુંદર મઝાની જાર, બાજરી, તુવેર, ડાંગર થવા લાગી. આજે તો ચરોતરના ખેતરો લીલાછમ
હરિયાળા પાકથી ઉભરાતાં જોવામાં આવે છે. કઠણ, લીસો ને ચપટો ચીણો તો આજે કયાંય ગોત્યોય જડતો નથી. કર્તુમકર્તુને
અન્યથા કર્તુમ એવા પરબ્રહ્મ પરમાત્માની પરમ કૃપાથી તો શું ન થાય ?
નોંધ : થોડાં વર્ષ પહેલા વડતાલ મંદિરની જમીનમાં ઉતારાના મકાન બાંધવા પાયા ખોદવાનું કામ ચાલતું હતું ત્યારે એક ખંઢેરમાંથી વર્ષો પહેલાંની ચીણાની ખાણ મળી આવી. એ જોઈને સંતો ને હરિભક્તોને ભારે નવાઈ લાગી ! આ કોણે અને કયારે સંગ્રહ કર્યો હશે ! દુષ્કાળમાં કામ આવે એવા હેતુથી સંગ્રહેલ આ ચીણો દોઢસો વર્ષ પછીય પણ એવો ને એવો નીકળ્યો હતો એમાંથી કોઈ જાતની વાસ નહોતી આવતી તેમ સડયો કે બગડયો પણ નહોતો. રેતી કે ઝીણી કાંકરી જેવું સખત આ ધાન્ય હોય છે એમાં કોઈ જીવાંત પણ ઝટ પડતી નથી.

પ્રસંગ ૯: સહજાનંદી સિંહ

આશરે આઠેક દાયકા પહેલાંની આ વાત છે. રાજકોટ જુબેલી બાગના કોનોટ હોલમાં નૂતન વર્ષ નિમિત્તે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્રનાં નાનાં–મોટાં રજવાડાંઓના ગિરાસદારો તેમજ અન્ય આમંત્રિત ક્ષત્રિયો પણ ભેળા થયા હતા. મોભા પ્રમાણે સહુ પોતપોતાની બેઠકે ગોઠવાયા હતા ને સભાની કાર્યવાહી ચાલી રહી હતી. સભાનું સંચાલન કરનારની સૂચના મુજબ ક્ષત્રિય વક્તાઓ પોતપોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા.
એવામાં કોઈક વક્તાએ નશાના કેફમાં આવી જઈને ટકોર કરતાં જણાવ્યું કે માંસાહાર અને મદ્યપાન તો આપણા ક્ષત્રિયોનો જુસ્સો
જાળવી રાખનારું ટોનિક છે. એના પ્રતિબંધની વાતો યોગ્ય નથી. જોકે કેટલાક ધર્મમાં એનો નિષેધ કરેલો છે. એમાંય
સ્વામિનારાયણ ધર્મના ઉપદેશકો પોતાના અનુયાયીઓને દારુ માંસને અખાદ્ય અને વિકૃતિજનક વ્યસન ગણાવીને એનો ત્યાગ
કરાવે છે. વળી અધૂરામાં પૂરું પાપનો ડર દેખાડીને આપણા ક્ષત્રિધર્મને દીનહીન દશામાં મૂકી દીધો છે અને ક્ષત્રિયોને નમાલા,
બાયલા ને ભીરુ બનાવી રહ્યા છે.
'એય, ખબડદાર ! બોલ્યા ઈ બોલ્યા હવે આગળ બોલશો નહીં.' પાછળથી આવી સિંહગર્જના સંભળાણી કે તુર્તજ એ શૂરો કોણ
છે? એ જોવા સહુ કોઈની ગરદન પાછળ ઘૂમી ગઈ. ત્યાં તો અપટુડેઈટ અફસરના ડ્રેસમાં એક ક્ષત્રિય યુવાન રૂઆબ ભેર આગળ
આવતો દેખાયો. આ શૂરવીર નરકેસરીને જોતા જ સહુએ એને ઓળખી લીધા. એના વિશાળ ભાલમાં સ્વામિનારાયણ ધર્મનું
ચાંદલે સહિત તિલક શોભતું હતું. આ શૂરવીરની સચ્ચાઈ ને ટેકથી સહુ કોઈ સુપરિચિત હતા જ. આગળ સ્ટેજ પર આવી એણે
સંચાલક મહાશયની પરવાનગી માગીને કહેવા માંડયું. 'જુઓ બંધુઓ, આ વડીલ મહાશય જે કાંઈ બોલી ગયા એથી હું ખૂબ
નારાજગી અનુભવું છું. હું, આપ સહુ જાણો છો તેમ સ્વામિનારાયણ ધર્મનો ચુસ્ત અનુયાયી છું. એથી આ મિથ્યા કલંકને ગળી
જઈ શકું નહિ એટલે એની સ્પષ્ટતા કરવા તેમજ ખરી હકીકત રજુ કરવાનું ઉચિત માની આપ સમક્ષ હું ઉભો થયો છું.'
'સ્વામિનારાયણ ધર્મ અને એના અનુયાયીઓએ ક્ષત્રિયોને કાયર નહીં પણ ખરા અર્થમાં રણશૂરા બનાવ્યા છે. એમણે શૂરવીરતા
દાખવવાનું ખરું ક્ષેત્ર ઓળખાવ્યું છે. શૂરવીરતા તેમજ નીડરતા કાંઈ મદ્યપાન અને માંસભક્ષણથી જ નથી આવી જતી. સાચું શૌર્ય
તો ઈશ્વરનિષ્ઠા, સદાચારપાલન, કર્તવ્યભાન અને મનના નિગ્રહ તેમજ સંયમમાંથી પ્રગટે છે અને જો એમ ન હોય તો દારૂ માંસનું
સેવન કરનારો કોઈપણ ભલે મારી સામે આવે. આપણે શૂરવીરતાની અહીં જ કસોટી કરીએ. હું અસ્ત્રશસ્ત્ર તેમજ દ્વન્દ્વ યુદ્ધમાં
પણ તૈયાર છું.'
'બરોબર છે, અમે પણ એમાં સંમત છીએ. હિંમત હોય એ થાય ઊભા.' સભામાંથી જ બેત્રણ ક્ષત્રિઓએ એમાં સૂર પુરાવ્યો.
આ શૂરાઓની રણહાંક સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો ! માઈનો પૂત કોઈ ઊભો ન થયો. ઊભો થાય પણ કયાંથી ?
આ રણશૂરાની વીરતા અને ધાકથી ભલભલા ચોર–ડાકુઓ ફફડી ઉઠતા હતા. એણે ખતરનાક બહારવટિયા સામેના ધીંગાણામાં
બાથ ભીડીને એને પરાસ્ત કર્યા હતા. એટલું જ નહિ એનું નામ સાંભળીને ડફેર, વાઘેર, મિયાણા જેવા લુંટારાઓ ભોંભીતર થઈ
જતા. સહુ કોઈ આ બાબત સારી પેઠે જાણતા હતા. એટલું જ નહિ અત્યારે પોતાની નજર સામે ઊભેલા આ સહજાનંદી સિંહના
અંગે અંગમાંથી સહુને નરી શૂરવીરતા નિતરતી દેખાતી હતી.

એ સહજાનંદી સિંહ હતા મેંગણીના મુક્તરાજ માનભા બાપુના વંશજ દરબાર અર્જુનસિંહજીભાઈ જાડેજા. એમનો સત્સંગ કાઢી
તરવાર જેવો સારધાર. સત્સંગનો પક્ષ શિર સાટે રાખતા. સત્સંગનું કોઈ ઘસાતું બોલે તો એને એ કદી ગળી જતાં નહિ પણ
શૂરવીરતા પૂર્વક એને તીખા બાણ જેવું વચન મારે એવા એ સહજાનંદી શૂરા સિંહ હતા.

પ્રસંગ ૮: અંતરના આશિષ

'શાંત, બસ રાખ્ય હવે, માથું દુઃખતું હળવું થઈ ગયું છે. તેં તો ભાઈ, આ માંદગીમાં ભારે શ્રદ્ધાથી ખડેપગે સેવા બજાવી છે.' માથું દાબી રહેલા શિષ્યને ગુરુએ વહાલથી કૃતજ્ઞભાવે કહ્યું.
'સેવા તો બીજી હું શું કરું પણ આપ બે દિવસથી ખાસ કાંઈ જમ્યા નથી એટલે થોડુંક જમો તો મારા અંતરમાં નિરાંત થાય.'
મમતાભરી લાગણીથી શિષ્યે કહ્યું.
'ભૂખ તો હજુય ખાસ નથી લાગી પણ તારો આવો આગ્રહ છે તો થોડુંક કાંઈક કરી લાવ્ય, બસ !' ગુરુએ અનુમતિ આપી.
ગુરુની અનુજ્ઞા મળતા શિષ્યના અંતરમાં અનેરો આનંદ છવાઈ ગયો. ઉત્સાહભેર ભંડારમાં જઈ એણે તુર્તજ ખીચડી ને કઢીની
તૈયારી આરંભી દીધી. વળી નાની તપેલીમાં તુવેરદાળ ઓરી કુશળતાથી એનું ખીરું તૈયાર કરી નાની બે ત્રણ વેડમી પણ બનાવી
લીધી. ઠાકોરજીને ખીચડી, કઢી ને વેડમી ધરાવી એણે ગુરુને ઠાકોર જમાડવા બોલાવ્યા.
ગુરુજી પણ એના હાથનો ટેકો લઈ ભંડારમાં જમવા પધાર્યા. ગુરુજીને ઓઠીંગણે બેસાડી પત્તરમાં પોતે થોડી ખીચડી, કઢી ન વેડમી
પીરસ્યાં. શિષ્યે રુચિકર રસોઈ કરી હોવાથી ગુરુ એને રાજી રાખવા પ્રસાદ રૂપે થોડું જમ્યા. આથી શિષ્યના હૈયામાં ટાઢક પ્રસરી
ગઈ.
ગુરુજીએ ચળું કરીને જળપાન કરતા કહ્યું, 'શાંત, તેં તો આજ થોડીજ વારમાં ખીચડી, કઢી ને સરસ વેડમી બનાવી પ્રભુનો પ્રસાદ
મને ભાવથી જમાડયો. હું તારી આવી એકધારી સેવાથી ખૂબ રાજી છું. તારે મારી પાસે કાંઈ માગવાની ઈચ્છા હોય તો બોલ.'
'આપ મારી ઉપર ખૂબ રાજી છો, પછી બીજું મારે શું જોઈએ?' 
'જો ભાઈ, આ તારા હાથનો છેલ્લો પ્રભુપ્રસાદ જમીને હું કાલે તો મહારાજના ધામમાં જવાનો છું તેથી જ મેં તને કાંઈક માગવાની આ
વાત કહી છે.' ગુરુએ સ્પષ્ટતા કરતાં કહ્યું.
આ સાંભળતા તો શિષ્યનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એ અવાચક બની ટગર ટગર ગુરુજીના મુખ સામે જોઈ જ રહ્યો. એની
આંખમાં આંસુઓ ઉભરાઈ આવ્યાં. આમ છતાં એણે સ્વસ્થતા જાળવવા પ્રયત્ન કરીને કહ્યું, 'આપના વિના હવે હું કેમ કરીને
રહી શ...કી...શ ?'... આટલું તો એનાથી માંડ માંડ બોલાયું. ગળે ડૂમો આવી જતાં હૈયું ભરાઈ ગયું.
આથી ગુરુએ પરિસ્થિતિ વિચારી એને સાંત્વના આપતાં કહેવા માંડયું, 'જો ભાઈ, આમ દિલગીર ન થવાય. જેને માટે મેં આખી
જિંદગી સાધના કરી, એ ભગવાન સ્વામિનારાયણ અંતકાળે મને તેડવા આવે અને એમની સાથે મારે અક્ષરધામમાં જવાનું થાય
એનાથી રૂડો બીજો આનંદનો અવસર મારા માટે કયો હોય શકે !!'
'હું આપની છત્રછાયામાં મોટો થયો છું. આપે તો મને ભણાવવા ઘણોય દાખડો કર્યો પણ હું આળસથી કમનસીબે પૂરું ભણી ન
શક્યો એનો હવે મનમાં ખૂબ પસ્તાવો થાય છે ! હું આપના વિના સત્સંગમાં કેમ નભીશ ?' અશ્રુભીની આંખે એણે પોતાની વેદના
વ્યક્ત કરી.
આથી ગુરુએ કરુણાભીના થઈ પોતાનો વરદહસ્ત એના મસ્તકે મૂકીને વાત્સલ્યભાવે અંતરની આશિષ આપતા પ્રભુને સંભારીને
કહ્યું, 'શાંત, તું ભલે વિદ્યા ન ભણી શક્યો પણ ભણવા જેવું તો તું જરૂર ભણી ગયો છો. તું ધર્મવાળો ને નિર્માની સેવક છો. તારી
વિદ્યા સદાય તાજી રહેશે. તારામાં રહી ભગવાન સ્વામિનારાયણ બોલશે અને તારી મધુર વાણી સભામાં અસ્ખલિત વહેશે.
ભગવાનની કથાવાર્તા કરવામાં તો તને કોઈ નહિ પહોંચે.'
ગુરુવર્યના અંતરના આવા આશિષ મળતાં શિષ્યના અંતરમાં થોડી શાતા વળી. એણે ધીરજ ધારણ કરી. વડીલ ગુરુભાઈઓ
સાથે રહી ગુરુની અંતિમ વિધિમાં અપૂર્વ સેવા બજાવી.
અંતરના આવા આશિષ આપનાર હતા સ. બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી અને આવા આશિષના અધિકારી હતા સત્શિષ્ય
બ્રહ્મચારી શાંતાનંદજી.

ગુરુકૃપા પ્રાપ્ત થવી મહા દુર્લભ છે. નિષ્કામ સેવાભાવે ગુરુની અનુવૃત્તિમાં વર્તનાર સદ્ભાગી શિષ્ય જ એ પ્રાપ્ત કરી શકે છે. આવા
ગુરુમુખી શિષ્યની સાધના અને મનોરથો સરળતાથી સિદ્ધ થાય છે.

પ્રસંગ ૭: સ્થિતપ્રજ્ઞ ભક્તરાજ

એક સમજુ અને સ્થિતપ્રજ્ઞ ભકતજનના પ્રેરણાદાયી જીવન પ્રસંગની આ વાત છે. પોતે બન્ને આંખે અંધ બન્યા ને અધૂરામાં પૂરું વળી ઘરભંગ પણ થયા. આમ છતાં એમની ઉચ્ચ સમજણમાં અને પ્રભુનિષ્ઠામાં આ વિકટ વિટંબણાની વિપરીત અસર થવા નહોતી પામી. 'દાસના દુશ્મન હરિ કદી હોય નહીં જે કરશે તે ઠીક જ હશે.' આ સૂત્ર એમના જીવનમાં જડાઈ ગયેલું.
આ ભકતને સંતાનમાં એક દીકરો ને એક દીકરી. દીકરાના લગ્ન થયાં ન હતાં અને દીકરી તો પરણીને સાસરે ગયેલી પણ વિધવા
થવાથી પિયરમાં આવી અંધ પિતાજીની સેવામાં રહી ગઈ હતી. દીકરો ખંતથી ખેતીનું કામકાજ કરે. દીકરી ઘરનું કામ સંભાળે પણ
બન્ને બેનભાઈ પિતાજીની અનુવૃત્તિ બરોબર જાળવે.
ઘરમાં તેમજ વ્યવહારમાં પ્રભુકૃપાથી બધુંય સાનુકૂળ ચાલતું હતું પણ પ્રભુને આ સ્થિતપ્રજ્ઞ ભક્તની કસોટી કરવી હોય એમ એની
માથે અણધારી આફત ઉતરી આવી. એકનો એક અને કમાઉ દીકરો ગંભીર માંદગીમાં સપડાયો. ગામડા ગામમાં એ જમાનામાં
સારવારેય બીજી શું ઉપલબ્ધ હોય ! એટલે એમણે ઘરગથ્થું ઉપચાર કર્યા પણ દર્દમાં કોઈ ફેર ન પડયો.
આયુષ્ય ખૂટી ને શ્રીજી મહારાજ એને તેડવા પધાર્યા. અંતરિક્ષમાં રહી દર્શન આપ્યા અને કહ્યું, 'અમે તો તને તેડવા આવ્યા છીએ
પણ તું બાપાને આ અંગે પૂછી જો. એ જો રાજી થઈને રજા આપે તો તને અમારા ધામમાં તેડી જઈએ.'
આ સંવાદ સાંભળી બાજુના ખાટલે બેસી માળા ફેરવી રહેલા ભગતે સહર્ષ પૂછયું, 'બેટા, અત્યારે કોની સાથે વાતો કરે છે ? પ્રભુ
પધાર્યા છે કે શું ?'
'હા બાપા, મહારાજ મને તેડવા તો આવ્યા છે પણ કહે છે કે બાપા રાજી થઈને રજા આપે તો જ તેડી જઈએ.'
'અરે બેટા ! તો તો ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય. તું તારે ખુશીથી ધામમાં જા. હું એમાં તો ખૂબ રાજી છું. તું અમારી આહીંની જરાય
ચિંતા કરીશમા. અમે તો અહીં ગમે તેમ રોડવી લેશું. તું સુખિયો થઈજા, દીકરા !' 
વિચાર કરીએતો ખ્યાલ આવે. કયો બાપ આવી કપરી પરિસ્થિતિમાં પરવાનગી આપે ! પોતાના દીકરાના આયુષ્ય માટ પ્રભુને
કેટલાય કાલાવાલા ને આજીજી કરવા મંડી પડે. સંતાન પ્રત્યની મમતા માબાપને ન જ છૂટે.
પિતાજીની પરવાનગી મળતા પુત્ર પ્રભુ સાથે ધામમાં સિધાવ્યો. એના અવસાનની જાણ થતાં સંબંધીઓ તેમજ પાડોશીઓ દોડી
આવ્યા. સહુએ ગમગીન બની સદ્ગતની દેહક્રિયા કરી. અંતમાં સહુ ભગત પાસે ખરખરો કરવા ભેળા થયા ને ખેદ કરતાં ! કહેવા
લાગ્યા, 'ભગત, તમારે તો ભારે થઈ ! તમે આંખે અંધ ! દીકરી વિધવા ! પત્ની પરલોકે ગઈ ને દીકરો પણ એની પાછળ ગયો.
ઘરમાં કામ કરનાર હવે બીજું કોઈ રહ્યું નહિ ! આતો ભારે ઉપાધી આવી પડી.'
બધાયનો ખરખરો અને ખેદ સાંભળી ભગત બોલ્યા, 'જુઓ, ભાઈઓ ભગવાનને ગમ્યું એ ખરું ! દાસના દુશ્મન હરિ કદી
હોય નહિ. પત્ની અને પુત્ર ભગવાનના ધામમાં ગયાં. વહેલું કે મોડું સહુને અહીંથી જવાનું છે. એનો શોક કરવાથી કશુંય વળતું
નથી. ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું ગોવિંદ ગોપાળ. આમ, નરસી મેતાના જેવું મારે થયું છે. મને એનું અંતરમાં દુઃખ કે
મનમાં શોક નથી.'
હવે ઘરમાં બાપ અને દીકરી બેજ બાકી રહ્યાં. ભગવાનના ભજન સ્મરણ સાથે ઘર–વહેવાર ચલાવ્યે રાખે છે. સંબંધીઓ ખેતી
કામમાં સહાય કરે છે. એમ ભગતનું ગાડું આગળ ગબડયે જાય છે પણ ભગવાનને પોતાના આ ભકતને કેમ જાણે તળિયા સુધી
તપાસી લેવો હોય એમ છ સાત માસ વીત્યા ત્યાંતો દીકરીય બીમાર પડી.
એવામાં એક રાતે શ્રીજીએ આવીને દીકરીને દર્શન દીધા ને કહ્યું, બેટાં, તારુય આયુષ્ય પૂરું થયું છે એથી અમો તનેય ધામમાં તેડી
જવા આવ્યા છીએ પણ તું ગયા પછી બાપાની સેવા–ચાકરી કોણ કરશે ? બાપાને તું જરા પૂછીતો જો.'
'હા, પ્રભુ ! મનેય અંધ બાપાની ચિંતા તો મનમાં થાય છે. હું માંદી માંદીય એમની સેવા કરું છું. મારા ગયા પછી એમની હાલત
કફોડી થઈ જશે. મહારાજ, મને મેલી જાવતો સારું ! મારાથી બાપાને આ વાત કેમ પૂછાય !' દીકરીએ રડસમ અવાજે કહ્યું.
આ બોલાશ સાંભળી બાપાની ઊંઘ ઉડી ગઈ ને બોલી ઉઠયા, 'બેટા, તાવમાં બબડેશ કે મહારાજ તનેય તેડવા આવ્યા છે ?'
'બાપા, મહારાજ તો તેડવા આવ્યા છે ને વાટ જુવે છે ને કહે છે કે તારી આવરદા પૂરી થઈ છે પણ બાપાની સેવા કોણ કરશે?
બાપા રાજી થઈને રજા આપે તો જ તને સાથે તેડી જઈએ.'
'બેટા, તારી શું ઈચ્છા છે, બોલ ?' પિતાએ પ્રશ્ન કર્યો 'બાપા, મને તો તમારી ચિંતા થાય છે.' દીકરીએ દિલની દિલગીરી વ્યક્ત
કરતાં કરતાં કહ્યું.
'બેટા, તું મારી તો જરાય ચિંતા કરીશમા, કોઈ જાતની ઈચ્છા મનમાં રાખીશમા ને તું ખુશીથી પ્રભુ સાથે ધામમાં જા. મારી ચિંતા
તો ભગવાન કરશે. મને તો ચિંતા થયા કરતી હતી ! મારા ગયા પછી તારું શું થશે ! પણ આ તો ભારે પાધરું પડી ગયું. મહારાજ
તેડવા આવ્યા છે તો જા બેટા, જા.'
પિતાજીની રજા મળી. પુત્રીય પ્રભુ સાથે ધામમાં ગઈ. સવારે ખબર પડતાં પાડોશીઓ ને સંબંધીઓ હાંફળા ફાંફળા બની દોડી
આવ્યા. અંધ પિતા તો પ્રભુ સ્મરણ કરી રહ્યા હતા. ભગતનું કાર્ય છે. સહુ પોતાની ફરજ સમજીને પુત્રીની દેહ ક્રિયા કરી આવ્યા
ને પછી સહુ ભગત પાસે બેઠા અને આગેવાનો કહેવા લાગ્યા, 'ભગત, તમારે માથે તો ભારે થઈ. એક પછી એક વિપત્તિઓ
આવ્યા કરે છે. તમે ભક્તિ તો ઘણીય કરોછો પણ આ દુઃખ તો તમારો સગડ મેલતું નથી. વળી આ વખતે તો તમ પર જાણે
આભ જ તૂટી પડયું છે. ઘરમાં કોઈ રહ્યું નહિ. તમારે તો દુકાળમાં અધિક માસ જેવું થયું.'
બધાયનું શાંત ચિત્તે સાંભળીને પછી ભગત જરાય અકળાયા વગર બોલ્યા, 'આપ સહુ કહો છો એ વાત તો જાણે સાચી. મારા
જીવનમાં એક પછી એક આવા આંચકા આવ્યા કરે છે. છતાં મારી ગાડી ગબડયે જાય છે. હું આ દુઃખને દુઃખજ માનતો નથી.
મારે તો સંતાનોની ચિંતાનો બોજ હળવો થઈ ગયો. મારે હવે બીજા કોઈની ચિંતા ન રહી. હું નચિંત થઈ ગયો. પત્ની તથા બંને
સંતાનને પ્રભુ દર્શન આપી ધામમાં તેડી ગયા એથી રૂડું બીજું શું ? મરી તો સહુને જવું છે. આવું મૃત્યુ તો ભાગ્યશાળીને મળે !
સાચું કહું હું તો હવે સાવ હળવો થઈ ગયો.'
બીજાને આમ ધીરજ આપનાર આ સ્થિતપ્રજ્ઞે પોતાની ધીરજ કેવી કેળવી હશે ! એ હતા બોટાદ પાસેના સિરવાણિયા ગામના
કાઠી હરિભક્ત ગીગા ધાધલ. એમણે મહારાજના દર્શન કરેલા અને સદુપદેશ સાંભળીને જીવનમાંય ઉતારેલો.
ગીગા ધાધલ ખરેખર સ્થિતપ્રજ્ઞ ભક્તરાજ હતા. ગમે તેવા વિકટ સંકટમાં એની સમજણ સ્થિર રહી શકતી. આ નિષ્કામ ભક્તને
આધિન પ્રભુ વર્તતા હતા છતાં એણે પ્રભુ આગળ પોતાનું એકેય દુઃખ દૂર કરવા પ્રાર્થના તો ન કરી પણ એવી ઈચ્છાય ન કરી.
હરિ રાખે એમ સદાય રહેવા એ તત્પર રહ્યા. પ્રભુની ઈચ્છા એ પોતાનું પ્રારબ્ધ. પ્રભુ જે કરે એમાં પોતાનું ભલું હોય એમ માની
જીવનની વિકટ સમસ્યાઓમાં પોતાની સમજણ અને સ્થિતિમાંથી ચલાયમાન ન થયા. એ નાનીસૂની વાત નથી.
દીકરીના અવસાનને બીજે દિવસે જ ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ બોટાદના શેઠ શિવલાલભાઈને દર્શન દઈને આ એકાંતિક
અંધ ભક્ત માટે વ્યવસ્થા કરવા ભલામણ કરી દીધી. મહિમાવાળા શિવલાલ શેઠ તુર્તજ બોટાદથી સિરવાણિયા આવી
ભક્તરાજ ગીગા ધાધલને મળ્યા. ગામલોકો ને સંબંધીઓને સાથે રાખી ભક્તરાજના જીવનપર્યંત નિર્વાહ માટે સરસ બંદોબસ્ત
કરી આપેલો ને પોતે અવારનવાર આવી એની તપાસ કરી જતા ને જરૂરી રકમ પણ આપી જતા.

શિવલાલભાઈ ધામમાં જવાના થયા ત્યારે પોતાના પિતા ભગા દોશીને આ ભક્તજન અંગે ખાસ ભલામણ કરેલી.

પ્રસંગ ૬: સંતવર્યનું સામર્થ્ય

જૂનાગઢ નાગરવાડમાં વાત પ્રસરી કે સ્વામિનારાયણના મંદિરમાં ભારે મોટી વિશાળ હવેલીના પાયા ખોદાઈ રહ્યા છે. આ માહિતી મળતા જિજ્ઞાસુઓ ત્યાં જોવા આવવા લાગ્યા.
સદ્.ગુણાતીતાનંદ સ્વામી અને બાંધકામની આગવી સૂઝ ધરાવતા સ્વામી કૃષ્ણસેવાદાસજીની દોરવણી પ્રમાણે ઉત્સાહી સંતો,
શ્રદ્ધાળુ પાળાઓ અને સેવાભાવી હરિભકતો ભારે મહિમાથી શ્રમસેવા કરીને દોઢ બે માથોડા ઊંડા ગાળેલા પાયાઓ મોટા મોટા
ભારે પથ્થરોથી પૂરી રહ્યા હતા. હરિભકતો ગાડાં ભરી ભરીને કાળવામાંથી પથ્થરો લાવતા હતા. નદીમાંથી લાવવામાં આવેલ
પાણાઓને પાયામાં નાખે એટલે ત્યાં ઊભા રહી પૂ. સ્વામીશ્રી બોલે 'હવે એેને કાઢવા હરામ.'
નાગરો જોવા આવે. એમાં કેટલાક આ જોઈને રાજી થાય તો કેટલાક દ્વેષિલાઓને પેટમાં બળતરાય થાય. નાગરવાડમાં બંધાએલ
સ્વામિનારાયણનું ભવ્ય મંદિર જ આંખમાં કણાની જેમ ખૂંચતું હોય તેમાં આવી વિશાળ હવેલી બંધાતી અદેખાથી તો કેમ દેખી
જાય ?
મંદિરના નિર્માણ વખેતય ઘણાય કાવાદાવા કરેલા પણ કારી નહોતી ફાવી. આમ છતાં આ હવેલીના બાંધકામમાંય વિધ્ન નાખવા
ઈર્ષાળુઓ એકઠા થયા ને કાંઈક કડી શોધવા લાગ્યા એમના ધ્યાનમાં એક બાબત આવી. આથી હરખમાં આવી જઈને એકાદ
બે વગદારનાગર અમલદારોને આગળ કરીને એમણે સરકારમાં સ્વામી મંદિર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે સ્વામી મંદિરના માણસો
રાજયની પરવાનગી વગર કાળવા નદીમાંથી રાજયની માલિકીના ઘણા પથ્થરો ઉઠાવી ગયા છે.
ફરિયાદ થતાં વજીરે એ અંગે તપાસ કરાવી તો કાળવા નદીમાંથી સ્વામી મંદિરના માણસો વગર પરવાનગીએ પાણા ઉઠાવી
ગયાના પુરાવાઓ મળ્યા. આથી અધિકારીઓએ આ બાબત અંગેનો ખુલાસો કરી જવા ફરમાન છોડયું.
રાજ તરફથી ફરમાન મળતાં પૂ. સ્વામીશ્રી તો વિચાર કરતા થઈ ગયા. રાજમાં આગેવાન ગણાતા એક બે હરિભકતોને આ
બાબત અંગે પૂછી જોયું એટલે સહુનો મત પડયો કે નદીમાંથી લીધેલા પાણા આમ તો કોઈની માલિકીના ન ગણાય. આમાં
કોઈ ગંભીર ગુનો બની જતો નથી પણ આપણે અગાઉ રાજયમાં આ અંગે પરવાનગી મેળવી હોત તો સારું હતું. હવે અધિકારીઓ
પાસે જવા કરતાં સીધા નવાબ સાહેબને આ વાત કરીએ જેથી કાંઈક સરળ રસ્તો મળી જશે.
પૂજય સ્વામીશ્રી બે ત્રણ હરિભકતો અને બે ત્રણ સંતોને સાથે લઈ નવાબ સાહેબને બંગલે પધાર્યા. સ્વામી મંદિરેથી સંતો ખાસ
મળવા આવ્યાનું જાણીને નવાબશ્રીએ તુર્તજ મુલાકાત આપી પૂ. સ્વામીશ્રી જેવા સંત વિભૂતિના દર્શન થતાં નવાબ સાહેબે બે
હાથ જોડી નમસ્કાર કર્યા ને યોગ્ય આસન આપી બેસાર્યા ને અહીં આવવાનું કારણ પૂછયું એટલે પૂ. સ્વામીએ કાળવામાંથી
સાધુઓની ધર્મશાળા બાંધવા માટે પથ્થર લીધાની વાત કરીને ઉમેર્યું, જોકે આમાં અગાઉથી પરવાનગી લેતા અમે ભૂલી ગયા
છીએ.
સાથેના હરિભકતોએ નવાબ સાહેબનું ધ્યાન દોરીને કહ્યું 'કાળવામાં પડેલા નકામાં પાણા અમે ધોળે દિવસે લાવ્યા છીએ. આમ
છતાં અમારા કોઈ વિરોધીએ આ બાબતને રાજનો ગુનો ગણી અમારા વિરુદ્ધ ફરિયાદ કરી છે. એ બાબત માટે આ સંતો
આપને મળવા ખાસ બંગલે પધાર્યા છે.'
આ સાંભળી હસતા હસતા નવાબ સાહેબે કહ્યું, 'હશે, આ બાબતમાં યોગ્ય કરી આપવા હું વજીરને જાણ કરી દઈશ.'
બીજે દિવસે પૂજ્ય સ્વામીશ્રી વજીરને મળ્યા અને પાણા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું, 'અમે તો નદીમાં પડેલ પથ્થરો લીધા છે પણ
કોઈના ભેળા કરેલા ઢગલામાંથી તો પાણા લીધા નથી. હા અમે અગાઉથી જાણ કરવાનું ભૂલી ગયા. આવી બાબતમાં જાણ
કરવાની હોય એનો અમને ખ્યાલ નહોતો.'
'પાણાની તો કોઈ કીંમત નથી પણ આપ લોકો રાજની પરવાનગી વગર એ લઈ ગયા એથી વિરોધીઓને મોકો મળી ગયો. એ
અંગે ફરિયાદ થઈ છે એટલે અમારે આ બાબત હાથમાં લેવી પડી નહિ તો કોઈ મુશ્કેલી નહોતી.' વજીરે પોતાનું મંતવ્ય કહ્યું.
'હવે આ અંગે અમારે શું કરવાનું રહે છે ? અમો નવાબ સાહેબને કાલે મળી આવ્યા છીએ.' સ્વામીશ્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું.
'હવે તો તમારે રાજ નકકી કરે એટલી થોડી રકમ આ પથ્થર પેટે ભરવાની રહેશે એટલે ફરિયાદનો નિકાલ આપોઆપ આવી
જશે.' વજીરે ચુકાદો સમજાવતા કહ્યું.
'પાણાની કોઈ કિંમત નથી આમ છતાં તમે એ અંગે પૈસા ભરવાનું કહોછો તો અમે લીધેલા પાણા સાટે પાણા પાછા આપી દેવાની
વ્યવસ્થા કરશું પછી તો કોઈને કાંઈ કહેવાનું કે ફરિયાદ કરવાનું કારણ નહિ રહેને ?' સ્વામીશ્રીએ પોતાનું મંતવ્ય રજુ કર્યું.
'પથ્થર તો આપ લોકોએ પાયામાં પૂરી દીધા છે. તો અ પાછા શી રીતે આપશો ?' એક અમલદારે આશ્ચર્ય સૂચક ટકોર કરતા
જણાવ્યું અને ઉમેર્યું, 'એમ કરવા કરતાં થોડાં નાણાંજ ભરીદોને એજ એનો સરળ ઉકેલ છે.'
આ સાંભળી સ્વામીશ્રીએ મંદમંદ હસતાં કહ્યું, 'નાણાં તો અમારા બાવા સાધુ પાસે કયાંથી હોય ! તમારે પાણાનું જ કામ છેને?
પાણા તમોને પાછા મળી જાય અને લીધા કરતા વધારે પછી તો રાજને કોઈ વાંધો નહીં રહેને ?'
વજીરને પૂ.સ્વામીશ્રીની વાત ગળે ન ઉતરી પણ એમની સામે એ વધારે કાંઈ બોલી ન શકયા ને વિચાર કરતા રહ્યા. સ્વામીશ્રી
તો આમ કહીને મંદિરે આવતા રહ્યા. મંદિરમાં બેસી ધ્યાન કરી શ્રીજીને પ્રાર્થના કરતાં કહ્યું, 'પ્રભુ, આ ડુંગરામાં પાણાની કયાં
તાણ છે ? આપ તો કર્તુમકર્તુ ને અન્યથાકર્તુ શકિત ધરાવો છો. માટે કાળવામાં પાણા પાથરી દેતા તમારે શી વાર !'
શ્રીજીએ સ્વામીની અરજ માન્ય રાખી હોય એમ રાતવેળાએ ઉપરવાસ ડુંગરાઓમાં ભાદરવાનો મોટા છાંટે એવો ધોધમાર
વરસાદ વરસાવ્યો કે પારવગરના નાનામોટા પથ્થરઓ પાણીમાં તણાઈ આવ્યા ને કાળવામાં એ પાણા પથરાઈ ગયા.
સવારે સ્વામીશ્રી એ તરફ જોઈ આવ્યા. ખૂશ થઈ પ્રાર્થના કરતાં કહ્યું, 'વાહ પ્રભુ, વાહ ! આપે તો અમારી ચિંતા ટાળી દીધી.'
વજીર પાસે બે હરિભકતો મોકલીને સ્વામીશ્રીએ કહેવડાવ્યું કે અમારી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે અને તમારા લીધેલા પાણા
કરતાંય વધારે પાણા પ્રભુએ કાળવામાં ત્યાં પાથરી દીધા છે. એ અંગે આપ ખુદ ત્યાં જઈને ખાતરી કરી આવજો.'

આથી વજીર અધિકારીઓ સાથે કાળવામાં તપાસ કરવા ગયા. એ પહેલાં તો ફરિયાદીઓ ત્યાં પહોંચી ગયા હતા. એ શરમિંદા
બની ચારે કોર ફરીને પાણા જોઈ રહ્યા હતા. વજીર એમને મળ્યા. કોઈ કશુંય બોલ્યા નહીં. સહુ અંતરમાં બધું જ સમજી ગયા
હતા. સંતના સામર્થ્યનો એમને પરચો મળી ગયો હતો.